સેલ્ફી લઈને નીકળ્યા અને પુલ તૂટ્યો:જો નવ વર્ષનો નેત્ર રડ્યો ના હોત તો રાજુલાનો પરિવાર પણ દુર્ઘટનામાં હોમાઈ જાત
અમે પુલ પર અડધે સુધી પણ નહોતા પહોંચ્યા અને નાનો છોકરો બીકના માર્યા રડવા લાગ્યો, એટલે અમે સેલ્ફી લઈને પાછા વળી ગયા, પુલની બહાર આવી અમે ગાડી લઈને નીકળી ગયા અને 15 મિનિટમાં જ પુલ તૂટી પડ્યો. જો છોકરો ના રડ્યો હોત તો અમે પણ આ દુર્ઘટનામાં હોમાઈ ગયા હોત.' આ શબ્દો છે રાજુલાના સાગરભાઈ મહેતાના. જેઓ પરિવાર સાથે મોરબીના ઝૂલતા પુલ પર રવિવારની મજા માણવા ગયા હતા. કહેવત છે કે, 'રામ રાખે તેને કોણ ચાખે' એમ આ પરિવારને જાણે કે બાળકે રડીને દુર્ઘટનાના અણસાર આપ્યા હોય એમ પરિવાર પુલ પરથી બહાર આવ્યાની થોડીવારમાં પુલ ધડામ દઈને પડ્યો હતો

સેલ્ફી લઈ પરિવાર નીકળી ગયો
રાજુલા શહેરના દુલર્ભનગરમાં રહેતા ભાનુભાઈ મહેતાનો પરિવાર તેમના સગાને ત્યાં મોરબી ગયો હતો, જેમાં ભાનુભાઈ મહેતા, સાગરભાઇ મહેતા, કોમલબેન, ખેવના અને નેત્ર સહિતના પરિવારના લોકો ઝૂલતા પુલ ઉપર ગયાં હતાં. જોકે પુલ પર થોડે સુધી પહોંચ્યા અને પુલ હલવાને કારણે નવ વર્ષીય નેત્રને બીક લાગી હતી, જેથી તે રડવા લાગ્યો હતો અને બહાર આવવા જીદ કરી હતી, જેથી પરિવારે પુલ પર સેલ્ફી લીધી અને આખો પરિવાર પુલની બહાર આવી ગયો. જ્યાંથી પોતાની ગાડી લઇને નીકળ્યાની માત્ર 15 મિનિટમાં આ પુલ તૂટી પડ્યો હતો.
સેલ્ફી સોશિયલ મીડિયા પર મૂકતાં સગાં ચિંતામાં મુકાયાં
આ પરિવારે પુલ પર લીધેલી સેલ્ફી સોશિયલ મીડિયા પર મૂકી હતી, જેથી આ દુર્ઘટનાના સમાચાર સાંભળીને સગાં-સંબંધીઓ ચિંતામાં મુકાઈ ગયાં હતાં. પરિવારે જણાવ્યું, સતત સગાં-સંબંધીઓના ફોન આવી રહ્યા છે, પણ ભગવાને અમને અણસાર આપ્યા હોય એમ અમે નેત્રને કારણે બચી ગયા અને અત્યારે હેમખેમ છીએ, પરંતુ આ ગોજારી ઘટના અમે ક્યારેય નહીં ભૂલી શકીએ. પુલ ઉપર લીધેલી સેલ્ફી અમને કાયમી યાદ રહેશે.
જો અમે બચ્યા હોય તો માત્ર નેત્રને કારણે: સાગરભાઈ મહેતા
સાગરભાઈ મહેતાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું કે અમારે ઝૂલતા પુલ ઉપરથી નીકળી જવાનું માત્ર એક જ કારણ હતું. પુલ ઉપર અડધે સુધી પણ નહોતા પહોંચ્યા અને છોકરો રડવા લાગ્યો કે પપ્પા બીક લાગે છે, જેને કારણે અમે પાછા વળી ગયા. જો અમે બચ્યા હોય તો માત્ર નેત્રને કારણે.
Comments
Post a Comment